ભગિની નિવેદિતા (રામકૃષ્ણ જ્યોતમાં પ્રકાશિત):-

આપણે બધાંય ભારતમાતાનાં સંતાનો છીએ. પણ જેની હું વાત કરું છું, ભગિની નિવેદિતા, એ ભારતીય ન હતાં. એમનો જન્મ પણ ભારતમાં ન હતો. એ તો દૂર આયર્લેન્ડના ટાપુ ઉપર ડિંગાનન, તા. ટીરોન નામના સ્થળ પર એમનો જન્મ ઇસ. ૧૮૬૭ની ૨૮મી ઓક્ટોબરના થયેલો. ભગિની નિવેદિતાનું મૂળ નામ હતું ‘માર્ગારેટ એલિઝાબેથ નોબલ’.

તેમની માતાનું નામ ‘મેરી ઇસાબેલ’ અને પિતાનું નામ ‘સેમ્યુઅલ રિચમંડ નોબલ’ હતું. એમના પરિવારનું જીવન કપરાં દિવસોમાં વીતેલું. માર્ગારેટને સૌથી વહાલા તેમના પિતાજી હતા. તેઓ ગરીબોની ખૂબ જ સેવા કરતાં અને ધાર્મિક પણ હતાં.

એક દિવસ ભારતથી એમના પિતાના મિત્ર આવેલા. પિતાજીએ એમની પુત્રીનો પરિચય કરાવ્યો. સૌમ્ય અને તેજસ્વી બાળાથી તેઓ બહુ પ્રભાવિત થયા અને બોલ્યા કે ‘એક દિવસ મોટી થઈને એ ભારત દેશ જશે અને એ દેશના લોકો માટે કામ કરશે. માર્ગારેટ ૧૦ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું.

તે લંડનની ‘ચર્ચ બેડિંગ સ્કૂલમાં’ ભણ્યા હતાં. ત્યારબાદ માર્ગરેટ હૉલીફેક્સની કૉલેજ ભણવા ગયાં. માર્ગારેટ એ ભૌતિકશાસ્ત્ર, કલા, સંગીત અને સાહિત્ય જેવા વિષયોનો અભ્યાસ કર્યો, તેઓ બહુ બુદ્ધિમાન બાળા હતા અને ૧૭ વર્ષની ઉંમરે ભણાવવાનું શરૂ કર્યું હતું.

તેમણે તેમનાં પિતા અને શિક્ષકો પાસેથી જીવનના કેટલાંક અમૂલ્ય પાઠ શીખ્યા, જેમ કે: ‘માનવ સેવા એ ભગવાનની સાચી સેવા છે.’ માનવીય પ્રેમ અને સેવાભાવ તેમના મનમાં ખૂબ જ વસી ગઈ. તેમની સેવાભાવના અને બલિદાન ને કારણે તેમને ભારતમાં ખૂબ માન અને સમ્માન આપવામાં આવે છે. તેમણે ભારતની આઝાદીની સાથે દેશનો વિકાસ કર્યો. બીજી બાજુ મહિલા શિક્ષણનાં ક્ષેત્રમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ એક ધાર્મિક લેખિકા પણ હતા. ધીરે ધીરે તેમનું નામ લંડનના બૌદ્ધિક વર્ગમાં ગણાવા લાગ્યું.

તેમના લગ્ન વેલ્સ મૂળના યુવક સાથે નક્કી થયા હતાં અને સગાઇ પણ થઇ ગઈ હતી.

પરંતુ આ દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું. માર્ગારેટ નોબલ સ્વામી વિવેકાનંદને નવેમ્બર ૧૮૯૫માં લંડનમાં ત્રણ મહિનાનાં રોકાણ પર અમેરિકાથી પરત ફરતી વખતે મળ્યા હતાં. માર્ગરેટ તેમને એક મહિલા મિત્રના ઘરે મળ્યા હતાં જ્યાં તેઓ હાજર લોકોને વેદાંત ફિલોસોફી સમજાવી રહ્યા હતા.

તેઓ વિવેકાનંદના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ત્યારબાદ તેમના ઘણા પ્રવચનોમાં ભાગ લેવા ગયા હતા. આ દરમ્યાન તેમણે સ્વામી વિવેકાનંદને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના જવાબોએ તેમના મનમાં વિવેકાનંદ માટે ખૂબ જ આદર પેદા કર્યો.

ભગિની નિવેદિતા દેશના વિકાસ સાથે શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધ્યા, આપણે પણ દેશનો વિકાસ કરીને ધાર્મિક બનીએ, એ જ ભગવાનની સાચી સેવા છે.

જય ઠાકુર